સુકમા: ગૃહ મંત્રાલયે સીઆરપીએફ પાસે માંગ્યો રિપોર્ટ, નકસલી હુમલામાં 25 જવાન શહીદ

Apr 25, 2017 10:25 AM IST | Updated on: Apr 25, 2017 11:09 AM IST

નવી દિલ્હી #છત્તીસગઢના નકસલ પ્રભાવિત જિલ્લા સુકમામાં સોમવારે સવારે નકસલિઓના હુમલામાં 25 જવાનો શહીદ થયા છે અને સાત જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાને પગલે હલચલ મચી જવા પામી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે સીઆરપીએફ પાસેથી સુકમા હુમલામાં થયેલી ચૂક અંગે રિપોર્ટ માંગ્યો છે. આ હુમલામાં સ્થાનિક લોકોની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હુમલામાં ઘાયલ થયેલા સીઆરપીએફના જવાનોએ જે ખુલાસો કર્યો છે એ હેરાન કરનારો છે.

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સીઆરપીએફના જવાન શેર મોહમ્મદે ન્યૂઝ 18 ઇન્ડિયાને જણાવ્યું કે, નકસલી હુમલા પહેલા ગામલોકોએ રેકી કરી હતી. એ વખતે ખાવાનું ખાઇ રહ્યા હતા. ગામલોકોની રેકી બાદ નકસલીઓએ હુમલાને અંજામ આપ્યો હતો. પહેલું ફાયરિંગ નકસલિઓએ કર્યું હતું. એ બાદ હુમલાની વિરૂધ્ધમાં સામે છેડેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ઘણા નકસલિઓ થયા ઠાર

સીઆરપીએફના અન્ય એક જવાન જિતેન્દ્રએ કહ્યું કે, અમારી કાર્યવાહીમાં ઘણા નકસલિઓ પણ ઠાર થયા છે. આમ તો અમે નકસલવાદ સામે લડી રહ્યા છીએ. પરંતુ જ્યાં સુધી સરકાર નહીં ઇચ્છે ત્યાં સુધી નકસલવાદ ખતમ નહીં થાય.

છત્તીસગઢના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કહ્યું કે, સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તાર અંતર્ગત બુરકાપાલ ગામ નજીક નકસલિઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો.

ચિંતાગુફા વિસ્તારમાં સીઆરપીએફની 74મી બટાલિયનની બે કંપનીઓએ બુરકાપાલથી ચિંતાગુફાના વચ્ચે બની રહેલા રસ્તાની સુરક્ષા માટે રવાના કરાઇ હતી. ટીમ જ્યારે બુરકાપાલથી અંદાજે દોઢ કિલોમીટરના અંતરે હતી ત્યાં નકસલિઓએ પોલીસ ટીમ પર ગોળીબારી શરૂ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર