વાજપેયીનો એક કોલ આવ્યો ને રાષ્ટ્રપતિ બની ગયા અબ્દુલ કલામ

Posted on: Jul 27, 2016 01:58 PM IST | Updated on: Oct 06, 2017 02:46 PM IST

ભારત રત્ન અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ છે. એક વર્ષ પહેલા આજના દિવસે કલામે દુનિયાને અલવિદા કરી હતી. કલામ એક એવું મહાન વ્યક્તિત્વ છે કે જેમણે ભારતને નવી ઉંચાઇ અપાવી છે. એમનું જીવન આપણા માટે પ્રેરણાદાયક છે. મિસાઇલ મેન કલામ કેવી રીતે બન્યા બન્યા દેશના રાષ્ટ્રપતિ? આ પણ એક રસપ્રદ વાત છે. પોતાના પુસ્તક ધ ટર્નિંગ પોઇન્ટમાં કલામે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા. આવો, જાણીએ...

કલામે લખ્યું છે કે, 10 જૂન 2002ની સવારે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સાથે હું કામ કરી રહ્યો હતો, જ્યાં હું ડિસેમ્બર 2001થી અહીં કામ કરી રહ્યો હતો. આ દિવસ પણ અન્ના વિશ્વ વિદ્યાલયના ખૂબસુરત વાતાવરણમાં અન્ય દિવસ જેવો જ હતો. મારા ક્લાસની ક્ષમતા 60 વિદ્યાર્થીઓની હતી પરંતુ દરેક લેક્ચર દરમિયાન 350થી વધુ વિદ્યાર્થીઓ આવી પહોંચતા, મારો ઉદ્દેશ્ય મારો અનુભવ શેયર કરવાનો હતો.

વાજપેયીનો એક કોલ આવ્યો ને રાષ્ટ્રપતિ બની ગયા અબ્દુલ કલામ

દિવસના લેક્ચર બાદ સાંજે જ્યારે હું પરત આવ્યો તો અન્ના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર કલાનિધિએ જણાવ્યું કે, મારી ઓફિસમાં દિવસમાં કેટલીય વાર ફોન આવ્યા અને કોઇ વ્યગ્રતાપૂર્વક મારીથી વાત કરવા ઇચ્છે છે. જેવો હું મારા રૂમમાં પહોંચ્યો અને સામેથી ફોનની ઘંટડી વાગી, મેં જેવો ફોન ઉપાડ્યો કે તરત જ સામે છેડેથી અવાજ આવ્યો કે વડાપ્રધાન વાત કરવા ઇચ્છે છે.

હું વડાપ્રધાન સાથે ફોન કનેક્ટ થાય એની રાહ જોતો હતો કે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂનો મારા સેલફોન પર ફોન આવ્યો. નાયડુએ કહ્યું કે, વડાપ્રધાન અટલ બિહારી તમારી સાથે મહત્વપૂર્ણ વાત કરવા છે અને તમે એમને ના ન પાડતા. હું નાયડુ સાથે વાત કરી જ રહ્યો હતો કે અટલ બિહારી વાજપેયી સાથે કોલ જોડાયો.

વાજપેયીએ ફોન પર પુછ્યું, કલામ તમારી શૈક્ષણિક જીંદગી કેવી છે? મેં કહ્યું ઘણી સારી. વાજપેયીએ આગળ કહ્યું કે મારી પાસે તમારી માટે એક મહત્વપૂર્ણ વાત છે. હું અત્યાે ગઠબંધનના તમામ નેતાઓ સાથે એક મહત્વની બેઠક કરીને આવી રહ્યો છું અને અમે બધાએ નિર્ણય કર્યો છે કે દેશને એક રાષ્ટ્રપતિના રૂપમાં તમારી જરૂર છે. મેં હજુ જાહેરાત નથી કરી, તમારી સહમતિ જોઇએ છે.

વાજપેયીએ કહ્યું કે, હું માત્ર હા ઇચ્છું છું ના નહીં. મેં કહ્યું કે, એનડીએ અંદાજે બે ડઝન પાર્ટીઓનું ગઠબંધન છે અને કોઇ જરૂરી નથી કે હંમેશા એકતા બની રહે.

રૂમમાં આવ્યા બાદ મારી પાસે એટલો પણ સમય ન હતો કે હું બેસી પણ શકું. ભવિષ્યને લઇને મારી આંખોની સામે ઘણી ચીજો દેખાતી હતી, પહેલા હંમેશા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વચ્ચે ઘેરાયેલા રહેવું અને બીજી તરફ સંસદમાં દેશને સંબોધિત કરવું. આ બધું મારા દિમાગમાં આવવા લાગ્યું. મેં વાજપેયીજીને કહ્યું કે, તમે મને આ નિર્ણય કરવા માટે 2 કલાકનો સમય આપી શકો? એ પણ જરૂરી હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં મારા નામાંકન અંગે તમામ પક્ષોની સમહતિ હોય.

વાજપેયીજીએ કહ્યું કે, તમારી હા પછી અમે સર્વ સંમતિ અંગે કામ કરીશું. એ પછીના બે કલાકમાં મેં મારા અંગત દોસ્તોને અંદાજે 30 જેટલા કોલ કર્યા, જેમાં કેટલાય સનદી અધિકારીઓ હતા તો કેટલાક રાજનીતિ સાથે જોડાયેલા હતા. આ બધા સાથે વાત કરતાં બે બાબતો સામે આવી. એક બાબત એ હતી કે, શૈક્ષણિક જીવનનો આનંદ લઇ રહ્યો છું. આ મારૂ જુનૂન અને પ્યાર છે. મારે આને પરેશાન ના કરવું જોઇએ. બીજી બાબત એવી હતી કે, મારી પાસે તક છે ભારત 2020 મિશનને દેશ અને સંસદ સામે પ્રસ્તૃત કરવાનો. બરોબર 2 કલાક બાદ વાજપેયીજીનો ફોન આવ્યો અને કહ્યું કે આ મહત્વપૂર્ણ મિશન માટે તૈયાર છું. વાજપેયીજીએ કહ્યું કે ધન્યવાદ.

15 મિનિટની અંદર આ વાત દેશમાં ફેલાઇ ગઇ, થોડી વાર બાદ મારી પાસે ફોન કોલ્સ આવવા શરુ થઇ ગયા. મારી સુરક્ષા વધારી દેવાઇ અને મારા રૂમમાં લોકો એકઠા થવા લાગ્યા. એ દિવસે વાજપેયીજીએ વિપક્ષના નેતા સોનિયા ગાંધી સાથે વાત કરી, જ્યારે સોનિયાએ પુછ્યું કે શું એનડીએની પસંદ ફાઇનલ છે? વડાપ્રધાને સકારાત્મક જવાબ આપ્યો, સોનિયા ગાંધીએ પોતાની પાર્ટીના સદસ્યો અને સહયોગી પક્ષો સાથે વાત કરી મારી ઉમેદવારી માટે સમર્થન આપ્યું હતું. મને સારુ લાગ્યું હોત કે જો મને લેફ્ટનું પણ સમર્થન મળ્યું હોત. પરતું એમણે પોતાના ઉમેદવાર નક્કી કર્યા હતા. રાષ્ટ્રપતિની ઉમેદવારી માટે મારી મંજૂરી બાદ મીડિયા દ્વારા મને ઘણા સવાલો પુછાયા, કેટલાય પુછતા કે કોઇ બિન રાજકીય વ્યક્તિ અને ખાસ કરીને એક વૈજ્ઞાનિક કેવી રીતે રાષ્ટ્રપતિ બની શકે?

આ રીતે 25 જુલાઇએ ડો.એપીજે અબ્દુલ કલામ દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. બે ઉમેદવારોમાં કલામને 9.22,884 મત મળ્યા હતા. જ્યારે લેફ્ટ સમર્થિત ઉમેદવાર કેપ્ટન લક્ષ્મી સહગલને 1,07,366 મત મળ્યા હતા. તેઓ એવા રાષ્ટ્રપતિ રહ્યા કે જેમને રાજનીતિ સાથે કોઇ લેવા દેવા જ ન હતી. આ ભારતના એવા રાષ્ટ્રપતિ હતા કે જેઓ ઉપરાષ્ટ્રપતિ ના બન્યા અને સીધા જ રાષ્ટ્રપતિ બન્યા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર