શૌરીનો શોર તથા શલ્ય,ભિષ્મ અને "વિકાસ"નું મહાભારત

Posted on: Aug 28, 2015 01:30 PM IST | Updated on: Oct 06, 2017 03:31 PM IST

ગુજરાતમાં ચૂંટણી છે એટલે "વિકાસ" ગાંડો થયો છે...પણ દિલ્લીના વિકાસ અને કંઇક અંશે મોદીના વધતા જતા "વિકાસ" પર ભાજપના માર્ગદર્શકો ઘાંઘા થયા છે...વિકાસ પર મહાભારત શરુ થયું છે...કેન્દ્રમાં જીડીપી છે...કેન્દ્રમાં અર્થતંત્ર છે...કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી છે...દેશના અર્થતંત્ર મામલે પહેલા કોંગ્રેસ તો સરકારની બેન્ડ વગાડતી જ હતી પરંતુ હવે ભાજપના કહેવાતા માર્ગદર્શકો પણ સરકારનું ચીરહરણ કરવા લાગ્યા છે.

શૌરીનો શોર તથા શલ્ય,ભિષ્મ અને

દેશના અર્થતંત્ર પર થઇ રહેલા વાર-પલટવારમાં મહાભારતના પાત્રોના ઉપયોગ થઇ રહ્યાં છે....આ વિકાસનું મહાભારત છે...અહીં શલ્ય છે...ભિષ્મ છે...અને અર્થતંત્રનું ચીરહરણ કરનારા પણ છે...એટલે કે પરોક્ષ રીતે દુશાસન પણ...પરંતુ અહીં કોઇ અર્જુન નથી કે નથી કોઇ કૃષ્ણ....સત્યવ્રતધારી યુધિષ્ઠિર તો ક્યાંથી હોય..?...વાજપેયી સરકારમાં કેન્દ્રિય મંત્રી રહેલા અને કટ્ટર મોદી વિરોધી એવા અરુણ શૌરીનો શોર તો સમજી શકાય એમ છે..કારણકે તેમની પીએમ મોદીની આલોચનામાં ટીકા કમ ખીજ વધારે છે. પરંતુ યશવંત સિંહાના સવાલોનું શું કહીશું...????? સુભ્રમણ્યમ સ્વામીના આરોપોનું શું...?????

ભલે પીએમ મોદી એમ માનતા હોય કે યશવંત સિંહા શલ્યની ભૂમિકામાં છે......મહાભારતમાં સહદેવ અને નકુલના મામા શલ્યને છળ-કપટથી દુર્યોધને કૌરવોની સેનામાં ભેળવી દીધા હતા...શલ્ય કર્ણના સારથી બન્યા...પણ શલ્ય હમેશા કૌરવોને અને કર્ણને હતોત્સાહિત કરવાનું કામ કરતાં હતાં. બસ એટલે જ પીએમ મોદીએ તેમની અર્થ-વ્યવસ્થાને અનર્થ-અવસ્થા કહેવા બદલ યશવંત સિંહાને શલ્ય સાથે સરખાવ્યા....વળતો પ્રહાર કરતા યશવંતે પોતાને ભિષ્મ પિતામહ સાથે સરખાવ્યા...યશવંતે કહ્યું કે જ્યારે અર્થતંત્રનું ચીરહરણ થતું હોય ત્યારે તે ભિષ્મની માફક ચૂપ નહીં રહે....હવે ભિષ્મ તો આજીવન કુંવારા હતા પણ ભાજપના આ કહેવાતા ભિષ્મને તો એક એવો દિકરો છે જે મોદી સરકારમાં રાજ્યમંત્રી છે. આ પુત્ર જયંત સિંહાથી પીએમ મોદી નારાજ હતા અને તેથી જ તેમને નાણા મંત્રાલયમાંથી ઉડ્ડયન મંત્રાલયમાં ખસેડ્યા હતાં....હવે જયંત પિતાના મોદી વિરોધી વારથી ટેન્શનમાં છે...અને મોદી સરકારે પણ યશવંત સિંહાના વારનો પલટવાર કરવા માટે તેના પુત્ર જયંતનો જ ઉપયોગ કર્યો...પિતા-પુત્રની આ લડાઇ એવા રાજનીતિના કુરુક્ષેત્રમાં લડાઇ કે ત્યાં ગીતા-જ્ઞાન આપનારું કોઇ નહોતું. ભાજપના ટોચના નેતાઓ ખાનગીમાં કહેતા હતાં કે પુત્રને સાઇડલાઇન કરાયાનું આ ફ્રસ્ટ્રેશન છે...બની શકે કે આ યશવંત સિંહાની હતાશા હોય પરંતુ અર્થતંત્રની વાત કરીએ તો ચિત્ર અચ્છે દિનનું તો નથી જ....

મહાભારતના કેરેક્ટરનો વિકાસના આ મહાભારતમાં ઉપયોગ-દુરુપયોગની વાત ડિસ્કાઉન્ટ કરીએ તો પણ એ વાત ચોક્કસ છે કે નોટબંદી અને જીએસટીની જીડીપી પર ગંભીર અસર છે....ખુદ મોદીના ખાસ અને આરબીઆઇના ગવર્નર એવા ઉર્જીત પટેલે કહ્યું છે કે જીએસટીને કારણે મેન્યુફેક્ચરિંગ પર અને ઇન્વેસ્ટમેન્ટ પર અસર થશે...ઉર્જીત પટેલ માત્ર અસર થશે એવું કહી અટકી ગયા નથી પરંતુ તેમણે કહ્યું છે કે અવળી અસર થશે...તેમણે મોંઘવારી પર ચિંતા વ્યક્ત કરી છે....ગ્રોથ અનુમાન ઘટાડ્યું છે...છતાં અચ્છે દિન વાળી સરકાર હજુ માનવા તૈયાર નથી કે ભારતનું અર્થતંત્ર ચિંતાજનક સ્થિતિમાં છે...મંદી નથી એ વાત માનવા જેવી છે...પણ જે સરકારની નીતિઓની ટીકા કરે છે તેને હતાશાથી પ્રેરીત હોવાની વાત કહીને ઉડાવી દેવાની માનસિકતા સમજમાં આવતી નથી.

મોદીએ જે જવાબો આપ્યા તેમાં પોલિટિક્સ વધારે હતું... મોદીના પાવરપોઇંટ પ્રેઝન્ટેશનમાં ક્યાંય જોબ ક્રિએશનની વાત નથી...મોદીએ જે પલટવાર કર્યો તેમાં ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યાની વાત નથી. તેમણે વાત કરી કે હાઇ ગ્રોથ-હાઇ ઇન્ફ્લેશન અને લો ગ્રોથ-લો ઇન્ફ્લેશનની થિયરીની વાત કરી તે કદાચ પોલિટિકલી ઠીક છે પણ અર્થતંત્રના અભ્યાસુને કદાચ ગળે ન પણ ઉતરે...મોદીએ કહ્યું કે જીડીપી યૂપીએ સરકારમાં 8 વખત નીચે ઉતરી ગયો હતો...પણ ભલા માણસ તમને એટલે તો બેસાડ્યા છે...મોદીએ બેંકોની બેડ લોન પર વાત નથી કરી...નોન-ઓઇલ ઇંપોર્ટ અને અન્ય ચીજવસ્તુઓની આયાત વધી રહી છે...આપણે જીએસટીની સફળતા-નિષ્ફળતાની વાતો નથી કરતાં...આપણે નોટબંદીની સફળતા-નિષ્ફળતાની વાતો પણ નથી કરતાં પરંતુ એ હકિકત છે કે ગાંડા વિકાસની વાતો પોલિટિકસમાં ખપાવી ન શકાય..વિકાસ ભલે ગાંડો નથી કદાચ મંદબુધ્ધિનો પણ નથી પરંતુ ઢિલો તો જરુર થયો છે...પીએમ મોદી એ હળવાશથી નહીં લઇ શકે...​

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર